ONLY MUSIC

Saturday, March 23, 2013

પતંગિયું. (ગીત)




પતંગિયું. (ગીત)




ભૂલથી  મેં   એક,  પતંગિયું  પકડ્યું, 

 કોપિત ચમન, આખેઆખું ગરજ્યું..!!

ઝાકળ   ઘસી તેજ  થૈ,  તેગ  શૂળની, 

ભોંકાય   ભીતર,  મન  મારું   કણસ્યું.


અંતરા-૧.

સુવાસ   રીસાઈ,  કુમાશ  ખીજાઈ,

પાંદડી  સુકી  તો,વળી પાછળ પડી,

ભરમાતાં, ડરતાં, રડતાંને સરતાં, 

કુસુમ અશ્રુ જોઈ, ઉર મારું કણસ્યું.

ભૂલથી મેં એક,પતંગિયું  પકડ્યું..!!

અંતરા-૨.

હચમચ્યાં મૂળને, ડાળીઓ તમતમે,

પંજા  ફેલાવી  થોર, મારવા ધસે,

ગર્જન પ્રચંડ,ધમધમાટ રોષ  જોઈ, 

ભય  કેરું  લખલખું, રોમ-રોમ ફરક્યું.

ભૂલથી મેં એક, પતંગિયું  પકડ્યું..!!

અંતરા-૩.

ભમરાઓ  ચટકે, રજપરાગ  ચીખે,

સુણીને  ઘોંઘાટ, સહુ મધમાંખ ધખે, 

ચહુ  કોર  ઘેર્યો,  ડંખ્યો  મને  દંડ્યો,

જાગી  વેદના  તૈં, મન મારું સમજ્યું,   

ભૂલથી  મેં એક, પતંગિયું  પકડ્યું..!!

અંતરા-૪.

ભયભીત થૈ ને, પલ-પલ વિલયતું,

હારી - થાકી અંતે, શાંત થઈ  જાતું,

છૂટવાને   કાજે,  તરફડતું,  ફફડતું,  

કકળાટ  જોઈને,  દિલ મારું  કકળ્યું.

ભૂલથી મેં  એક, પતંગિયું  પકડ્યું..!!

© માર્કંડ દવે. તા.૧૭-૧૦-૨૦૧૧.

No comments:

Post a Comment